राजराजेश्वर भरतनुं चरित्र
द्रष्टांतः- जेनी अश्वशाळामां रमणीय, चतुर अने अनेक प्रकारना तेजी अश्वना समूह शोभता हता; जेनी गजशाळामां अनेक जातिना मदोन्मत्त हस्तीओ झूली रह्या हता; जेना अंतःपुरमां नवयौवना सुकुमारिका अने मुग्धा स्त्रीओ सहस्रगमे विराजी रही हती; जेना धननिधिमां चंचळा ए उपमाथी विद्वानोए ओळखेली समुद्रनी पुत्री लक्ष्मी स्थिररूप थई हती; जेनी आज्ञाने देव देवांगनाओ आधीन थईने मुकुट पर चडावी रह्यां हतां; जेने प्राशन करवाने माटे नाना प्रकारनां षट्रस भोजनो पळे पळे निर्मित थतां हतां; जेना कोमल कर्णना विलासने माटे झीणां अने मधुरस्वरी गायनो करनारी वारांगनाओ तत्पर हती: जेने निरीक्षण करवा माटे अनेक प्रकारनां नाटक चेटक हतां: जेनी यशस्कीर्त्ति वायुरूपे प्रसरी जई आकाश जेवी व्याप्त हती; जेना शत्रुओने सुखथी शयन करवानो वखत आव्यो न हतो; अथवा जेना वैरीनी वनिताओनां नयनोमांथी सदैव आंसु टपकतां हतां; जेनाथी कोई शत्रुवट दाखववा तो समर्थ नहोतुं, पण सामा निर्दोषताथी आंगळी चींधवाये पण कोई समर्थ नहोतुं; जेनी समक्ष अनेक मंत्रीओना समुदाय तेनी कृपानी निमंत्रणा करता हता; जेनां रूप, कांति अने सौंदर्य ए मनोहारक हतां; जेने अंगे महान बळ, वीर्य, शक्ति अने उग्र पराक्रम ऊछळतां हतां; क्रीडा करवाने माटे जेने महा सुगंधीमय बागबगीचा अने वनोपवन हतां; जेने त्यां प्रधान कुळदीपक पुत्रना समुदाय हता; जेनी सेवामां लाखोगमे अनुचरो सज्ज थई ऊभा रहेता हता; जे पुरुष ज्यां ज्यां प्रवेश करतो, त्यां त्यां खमा खमा, कंचनफूल अने मौक्तिकना थाळथी वधावातो हतो; जेना कुंकुमवर्णा पादपंकजनो स्पर्श करवाने इंद्र जेवा पण तलसी रहेता हता; जेनी आयुधशाळामां महा यशोमान दिव्य चक्रनी उत्पत्ति थई हती; जेने त्यां साम्राज्यनो अखंड दीपक प्रकाशमान हतो; जेने शिरे महान छ खंडनी प्रभुतानो तेजस्वी अने चळकाटमान मुकुट विराजित हतो. कहेवानो हेतु के जेनां दळनो, जेना नगर-पुरपाटणनो, जेना वैभवनो अने जेना विलासनो संसार संबंधे कोई पण प्रकारे न्यूनभाव नहोतो एवो ते श्रीमान राजराजेश्वर भरत पोताना सुंदर आदर्श-भुवनमां वस्त्राभूषणथी विभूषित थई मनोहर सिंहासन पर बेठो हतो. चारे बाजुनां द्वार खुल्लां हतां; नाना प्रकारना धूपनो धूम्र सूक्ष्म रीते प्रसरी रह्यो हतो; नाना प्रकारना सुगंधी पदार्थो धमधमी रह्यां हतां; नाना प्रकारनां सुस्वरयुकत वाजिंत्रो यांत्रिक कळा वडे स्वर खेंची रह्यां हतां; शीतल, मंद अने सुगंधी एम त्रिविध वायुनी लहरीओ छूटती हती; आभूषणादिक पदार्थोनुं निरीक्षण करतां करतां ए श्रीमान राजराजेश्वर भरत ते भुवनमां अपूर्वताने पाम्यो.
एना हाथनी एक आंगळीमांथी वींटी नीकळी पडी. भरतनुं ध्यान ते भणी खेंचायुं; अने आंगळी केवळ अडवी जणाई. नव आंगळीओ वींटी वडे करीने जे मनोहरता धरावती हती ते मनोहरता विना आ आंगळी परथी भरतेश्वरने अद्भुत मूळोत्तर विचारनी प्रेरणा थई. शा कारणथी आ आंगळी आवी लागवी जोईए ? ए विचार करतां वींटीनुं नीकळी पडवुं ए कारण एम तेने समजायुं. ते वातने विशेष प्रमाणभूत करवा बीजी आंगळीनी वींटी तेणे खेंची लीधी. ए बीजी आंगळीमांथी जेवी वींटी नीकळी तेवी ते आंगळी अशोभ्य देखाई; वळी ए वातने सिद्ध करवाने तेणे त्रीजी आंगळीमांथी पण वींटी सेरवी लीधी, एथी विशेष प्रमाण थयुं. वळी चोथी आंगळीमांथी वींटी काढी लीधी एटले एणे पण एवो ज देखाव दीधो; एम अनुक्रमे दशे आंगळीओ अडवी करी मूकी; अडवी थई जवाथी सघळीनो देखाव अशोभ्य देखायो. अशोभ्य देखावाथी राजराजेश्वर अन्यत्वभावनामां गद्गदित थई एम बोल्यो :-
‘‘अहोहो ! केवी विचित्रता छे के भूमिमांथी उत्पन्न थयेली वस्तुने टीपीने कुशळताथी घडवाथी मुद्रिका बनी; ए मुद्रिका वडे मारी आंगळी सुंदर देखाई; ए आंगळीमांथी मुद्रिका नीकळी पडतां एथी विपरीत देखाव दीधो; विपरीत देखावथी अशोभ्यता अने अडवापणुं खेदरूप थयुं. अशोभ्य जणावानुं कारण मात्र वींटी नहीं ए ज ठर्युं के ? जो वींटी होत तो तो एवी अशोभा हुं न जोत. ए मुद्रिका वडे मारी आ आंगळी शोभा पामी; ए आंगळी वडे आ हाथ शोभे छे; अने ए हाथ वडे आ शरीर शोभा पामे छे. त्यारे एमां हुं शोभा कोनी गणुं ? अति विस्मयता ! मारी आ मनाती मनोहर कांतिने विशेष दीप्त करनार ते मणि माणिक्यादिना अलंकारो अने रंगबेरंगी वस्त्रो ठर्यां. ए कांति मारी त्वचानी शोभा ठरी; ए त्वचा शरीरनी गुप्तता ढांकी सुंदरता देखाडे छे; अहोहो ! आ महा विपरीतता छे ! जे शरीरने हुं मारुं मानुं छुं ते शरीर ते मात्र त्वचा वडे, ते त्वचा कांति वडे अने ते कांति वस्त्रालंकार वडे शोभे छे. त्यारे शुं मारा शरीरनी तो कंई शोभा नहीं ज के ? रुधिर, मांस, अने हाडनो ज केवळ ए माळो के ? अने ए माळो ते हुं केवळ मारो मानुं छुं. केवी भूल ! केवी भ्रमणा ! अने केवी विचित्रता छे ! केवळ हुं परपुद्गलनी शोभाथी शोभुं छुं. कोईथी रमणीकता धरावतुं शरीर ते मारे मारुं केम मानवुं ? अने कदापि एम मानीने हुं एमां ममत्वभाव राखुं ते पण केवळ दुःखप्रद अने वृथा छे. आ मारा आत्मानो ए शरीरथी एक काळे वियोग छे ! आत्मा ज्यारे बीजा देहने धारण करवा परवरशे त्यारे आ देह अहीं रहेवामां कंई शंका नथी. ए काया मारी न थई अने नहीं थाय त्यारे हुं एने मारी मानुं छुं के मानुं ए केवळ मूर्खता छे. जेनो एक काळे वियोग थवानो छे, अने जे केवळ अन्यत्वभाव धरावे छे तेमां ममत्वपणुं शुं राखवुं ? ए ज्यारे मारी थती नथी, त्यारे मारे एनुं थवुं शुं उचित छे ? नहीं नहीं, ए ज्यारे मारी नहीं त्यारे हुं एनो नहीं, एम विचारुं, द्रढ करुं, अने प्रवर्तन करुं, एम विवेकबुद्धिनुं तात्पर्य छे. आ आखी सृष्टि अनंत चीजथी अने अनंत पदार्थोथी भरी छे; ते सघळा पदार्थ करतां जेना जेटली कोई पण वस्तु पर मारी प्रियता नथी; ते वस्तु ते मारी न थई; तो पछी बीजी कई वस्तु मारी होय ? अहो ! हुं बहु भूली गयो. मिथ्या मोहमां लथडी पड्यो. ते नवयौवनाओ, ते मानेला कुळदीपक पुत्रो, ते अढळक लक्ष्मी, ते छ खंडनुं महान राज, ए मारां नथी. एमांनुं लेशमात्र पण मारुं नथी. एमां मारो किंचित् भाग नथी. जे कायाथी हुं ए सघळी वस्तुओनो उपभोग लउं छुं,ते भोग्य वस्तु ज्यारे मारी न थई त्यारे बीजी मारी मानेल वस्तु-स्नेही, कुटुंबी इत्यादि-मारां शुं थनार हतां ? नहीं, कंई ज नहीं.
ए ममत्वभाव मारे जोईतो नथी ! ए पुत्र, ए मित्र, ए कलत्र, ए वैभव अने ए लक्ष्मीने मारे मारां मानवां ज नथी ! हुं एनो नहीं ने ए मारां नहीं ! पुण्यादिक साधीने में जे जे वस्तु प्राप्त करी ते ते वस्तु मारी न थई, ए जेवुं संसारमां कयुं खेदमय छे ? मारां उग्र पुण्यत्वनुं परिणाम आ ज के ? छेवटे ए सघळांनो वियोग ज के ? पुण्यत्वनुं ए फळ पामीने एनी वृद्धिने माटे जे जे पाप कर्यां ते ते मारा आत्माए भोगववां ज के ? ते पण एकलाए ज के ? एमां कोई सहियारी नहीं ज के ? नहीं नहीं. ए अन्यत्वभाववाळा माटे थईने हुं ममत्वभाव दर्शावी आत्मानो अन्हितैषी थई एने रौद्र नरकनो भोकता करुं ए जेवुं कयुं अज्ञान छे ? एवी कई भ्रमणा छे ? एवो कयो अविवेक छे ? त्रेसठशलाका पुरुषोमांनो हुं एक गणायो; त्यां आवां कृत्य टाळी शकुं नहीं, अने प्राप्त करेली प्रभुताने खोई बेसुं, ए केवळ अयुक्त छे. ए पुत्रोनो, ए प्रमदाओनो, ए राजवैभवनो अने ए वाहनादिक सुखनो मारे कशो अनुराग नथी ! ममत्व नथी !’’
वैराग्यनुं राजराजेश्वर भरतना अंतःकरणमां आवुं चित्र पड्युं के तिमिरपट टळी गयुं. शुकल-ध्यान प्राप्त थयुं. अशेष कर्म बळीने भस्मीभूत थयां !! महा दिव्य अने सहस्र-किरणथी पण अनुपम कांतिमान केवळज्ञान प्रगट थयुं. ते ज वेळा एणे पंचमुष्टि केशलोचन कर्युं. शासनदेवीए एने संतसाज आप्यो; अने ते महा विरागी सर्वज्ञ सर्वदर्शी थई,चतुर्गति, चोवीश दंडक, तेमज आधि, व्याधि अने उपाधिथी विरक्त थयो. चपळ संसारना सकळ सुखविलासथी एणे निवृत्ति करी, प्रियाप्रिय गयुं; अने ते निरंतर स्तववा योग्य परमात्मा थयो.
प्रमाणशिक्षाः
एम ए छ खंडनो प्रभु, देवना देव जेवो, अढळक साम्राज्यलक्ष्मीनो भोकता, महायुनो धणी, अनेक रत्ननी युक्तता धरावनार, राजराजेश्वर भरत आदर्शभुवनने विषे केवळ अन्यत्वभावना ऊपजवाथी शुद्ध विरागी थयो !
खरेखर भरतेश्वरनुं मनन करवा योग्य चरित्र संसारनी शोकार्त्तता अने औदासीन्यतानो पूरेपूरो भाव, उपदेश अने प्रमाण दर्शित करे छे. कहो ! एने त्यां कई खामी हती ? नहोती एने त्यां नवयौवना स्त्रीओनी खामी, के नहोती राजरिद्धिनी खामी, नहोती विजयसिद्धिनी खामी, के नहोती नवनिधिनी खामी, नहोती पुत्र-समुदायनी खामी, के नहोती कुटुंब-परिवारनी खामी, नहोती रूपकांतिनी खामी, के नहोती यशस्कीर्तिनी खामी.
आगळ कहेवाई गयेली तेनी रिद्धिनुं एम पुनः स्मरण करावी प्रमाणथी शिक्षाप्रसादीनो लाभ आपीए छीए के, भरतेश्वरे विवेकथी अन्यत्वना स्वरूपने जोयुं, जाण्युं अने सर्पकंचुकवत् संसार परित्याग करी तेनुं मिथ्या ममत्व सिद्ध करी आप्युं. महावैराग्यनी अचळता, निर्ममत्वता, अने आत्मशकितनुं प्रफुल्लित थवुं, आ महा योगीश्वरना चरित्रमां रह्युं छे.
एक पिताना सो पुत्रमां नवाणुं आगळ आत्मसिद्धिने साधता हता. सोमा आ भरतेश्वरे सिद्धि साधी. पिताए पण ए ज सिद्धि साधी. भरतेश्वरी-राज्यासन-भोगीओ उपराउपरी आवनार ए ज आदर्शभुवनमां ते ज सिद्धि पाम्या कहेवाय छे. ए सकळ सिद्धिसाधक मंडळ अन्यत्वने ज सिद्ध करी एकत्वमां प्रवेश करावे छे. अभिवंदन हो ते परमात्माओने !
(शार्दूलविक्रीडित)
देखी आंगळी आप एक अडवी, वैराग्य वेगे गया,
छांडी राजसमाजने भरतजी, कैवल्यज्ञानी थया;
चोथुं चित्र पवित्र ए ज चरिते, पाम्युं अहीं पूर्णता,
ज्ञानीनां मन तेह रंजन करो, वैराग्य भावे यथा.
विशेषार्थः-
पोतानी एक आंगळी अडवी देखीने वैराग्यना प्रवाहमां जेणे प्रवेश कर्यो, राजसमाजने छोडीने जेणे कैवल्यज्ञान प्राप्त कर्युं, एवा ते भरतेश्वरनुं चरित्र धारण करीने आ चोथुं चित्र पूर्णता पाम्युं. ते जेवो जोईए तेवो वैराग्यभाव दर्शावीने ज्ञानीपुरुषनां मनने रंजन करनार थाओ !
*****
રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર
દ્રષ્ટાંતઃ- જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા; જેની ગજશાળામાં અનેક જાતિના મદોન્મત્ત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા; જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્રગમે વિરાજી રહી હતી; જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિરરૂપ થઈ હતી; જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યાં હતાં; જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારનાં ષટ્રસ ભોજનો પળે પળે નિર્મિત થતાં હતાં; જેના કોમલ કર્ણના વિલાસને માટે ઝીણાં અને મધુરસ્વરી ગાયનો કરનારી વારાંગનાઓ તત્પર હતી: જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારનાં નાટક ચેટક હતાં: જેની યશસ્કીર્ત્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી; જેના શત્રુઓને સુખથી શયન કરવાનો વખત આવ્યો ન હતો; અથવા જેના વૈરીની વનિતાઓનાં નયનોમાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં; જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તો સમર્થ નહોતું, પણ સામા નિર્દોષતાથી આંગળી ચીંધવાયે પણ કોઈ સમર્થ નહોતું; જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિમંત્રણા કરતા હતા; જેનાં રૂપ, કાંતિ અને સૌંદર્ય એ મનોહારક હતાં; જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઊછળતાં હતાં; ક્રીડા કરવાને માટે જેને મહા સુગંધીમય બાગબગીચા અને વનોપવન હતાં; જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા; જેની સેવામાં લાખોગમે અનુચરો સજ્જ થઈ ઊભા રહેતા હતા; જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતો, ત્યાં ત્યાં ખમા ખમા, કંચનફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતો હતો; જેના કુંકુમવર્ણા પાદપંકજનો સ્પર્શ કરવાને ઇંદ્ર જેવા પણ તલસી રહેતા હતા; જેની આયુધશાળામાં મહા યશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી; જેને ત્યાં સામ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો; જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો. કહેવાનો હેતુ કે જેનાં દળનો, જેના નગર-પુરપાટણનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સંબંધે કોઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતો એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ-ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. ચારે બાજુનાં દ્વાર ખુલ્લાં હતાં; નાના પ્રકારના ધૂપનો ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતો; નાના પ્રકારના સુગંધી પદાર્થો ધમધમી રહ્યાં હતાં; નાના પ્રકારનાં સુસ્વરયુકત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યાં હતાં; શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી; આભૂષણાદિક પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેશ્વર ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યો.
એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણી ખેંચાયું; અને આંગળી કેવળ અડવી જણાઈ. નવ આંગળીઓ વીંટી વડે કરીને જે મનોહરતા ધરાવતી હતી તે મનોહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્ભુત મૂળોત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ ? એ વિચાર કરતાં વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશોભ્ય દેખાઈ; વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી, એથી વિશેષ પ્રમાણ થયું. વળી ચોથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધો; એમ અનુક્રમે દશે આંગળીઓ અડવી કરી મૂકી; અડવી થઈ જવાથી સઘળીનો દેખાવ અશોભ્ય દેખાયો. અશોભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વભાવનામાં ગદ્ગદિત થઈ એમ બોલ્યો :-
‘‘અહોહો ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધો; વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશોભ્ય જણાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે ? જો વીંટી હોત તો તો એવી અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી; એ આંગળી વડે આ હાથ શોભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું ? અતિ વિસ્મયતા ! મારી આ મનાતી મનોહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ માણિક્યાદિના અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યાં. એ કાંતિ મારી ત્વચાની શોભા ઠરી; એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે; અહોહો ! આ મહા વિપરીતતા છે ! જે શરીરને હું મારું માનું છું તે શરીર તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શોભે છે. ત્યારે શું મારા શરીરની તો કંઈ શોભા નહીં જ કે ? રુધિર, માંસ, અને હાડનો જ કેવળ એ માળો કે ? અને એ માળો તે હું કેવળ મારો માનું છું. કેવી ભૂલ ! કેવી ભ્રમણા ! અને કેવી વિચિત્રતા છે ! કેવળ હું પરપુદ્ગલની શોભાથી શોભું છું. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું ? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માનો એ શરીરથી એક કાળે વિયોગ છે ! આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેનો એક કાળે વિયોગ થવાનો છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું ? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઉચિત છે ? નહીં નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એનો નહીં, એમ વિચારું, દ્રઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે; તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી; તે વસ્તુ તે મારી ન થઈ; તો પછી બીજી કઈ વસ્તુ મારી હોય ? અહો ! હું બહુ ભૂલી ગયો. મિથ્યા મોહમાં લથડી પડ્યો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી. એમાં મારો કિંચિત્ ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓનો ઉપભોગ લઉં છું,તે ભોગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી મારી માનેલ વસ્તુ-સ્નેહી, કુટુંબી ઇત્યાદિ-મારાં શું થનાર હતાં ? નહીં, કંઈ જ નહીં.
એ મમત્વભાવ મારે જોઈતો નથી ! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી ! હું એનો નહીં ને એ મારાં નહીં ! પુણ્યાદિક સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે ? મારાં ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે ? છેવટે એ સઘળાંનો વિયોગ જ કે ? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે જે પાપ કર્યાં તે તે મારા આત્માએ ભોગવવાં જ કે ? તે પણ એકલાએ જ કે ? એમાં કોઈ સહિયારી નહીં જ કે ? નહીં નહીં. એ અન્યત્વભાવવાળા માટે થઈને હું મમત્વભાવ દર્શાવી આત્માનો અન્હિતૈષી થઈ એને રૌદ્ર નરકનો ભોકતા કરું એ જેવું કયું અજ્ઞાન છે ? એવી કઈ ભ્રમણા છે ? એવો કયો અવિવેક છે ? ત્રેસઠશલાકા પુરુષોમાંનો હું એક ગણાયો; ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ બેસું, એ કેવળ અયુક્ત છે. એ પુત્રોનો, એ પ્રમદાઓનો, એ રાજવૈભવનો અને એ વાહનાદિક સુખનો મારે કશો અનુરાગ નથી ! મમત્વ નથી !’’
વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિરપટ ટળી ગયું. શુકલ-ધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં !! મહા દિવ્ય અને સહસ્ર-કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશલોચન કર્યું. શાસનદેવીએ એને સંતસાજ આપ્યો; અને તે મહા વિરાગી સર્વજ્ઞ સર્વદર્શી થઈ,ચતુર્ગતિ, ચોવીશ દંડક, તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિથી વિરક્ત થયો. ચપળ સંસારના સકળ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી, પ્રિયાપ્રિય ગયું; અને તે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયો.
પ્રમાણશિક્ષાઃ
એમ એ છ ખંડનો પ્રભુ, દેવના દેવ જેવો, અઢળક સામ્રાજ્યલક્ષ્મીનો ભોકતા, મહાયુનો ધણી, અનેક રત્નની યુક્તતા ધરાવનાર, રાજરાજેશ્વર ભરત આદર્શભુવનને વિષે કેવળ અન્યત્વભાવના ઊપજવાથી શુદ્ધ વિરાગી થયો !
ખરેખર ભરતેશ્વરનું મનન કરવા યોગ્ય ચરિત્ર સંસારની શોકાર્ત્તતા અને ઔદાસીન્યતાનો પૂરેપૂરો ભાવ, ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કહો ! એને ત્યાં કઈ ખામી હતી ? નહોતી એને ત્યાં નવયૌવના સ્ત્રીઓની ખામી, કે નહોતી રાજરિદ્ધિની ખામી, નહોતી વિજયસિદ્ધિની ખામી, કે નહોતી નવનિધિની ખામી, નહોતી પુત્ર-સમુદાયની ખામી, કે નહોતી કુટુંબ-પરિવારની ખામી, નહોતી રૂપકાંતિની ખામી, કે નહોતી યશસ્કીર્તિની ખામી.
આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનું એમ પુનઃ સ્મરણ કરાવી પ્રમાણથી શિક્ષાપ્રસાદીનો લાભ આપીએ છીએ કે, ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણ્યું અને સર્પકંચુકવત્ સંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહાવૈરાગ્યની અચળતા, નિર્મમત્વતા, અને આત્મશકિતનું પ્રફુલ્લિત થવું, આ મહા યોગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે.
એક પિતાના સો પુત્રમાં નવાણું આગળ આત્મસિદ્ધિને સાધતા હતા. સોમા આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી-રાજ્યાસન-ભોગીઓ ઉપરાઉપરી આવનાર એ જ આદર્શભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિસાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હો તે પરમાત્માઓને !
(શાર્દૂલવિક્રીડિત)
દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા,
છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા;
ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા,
જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા.
વિશેષાર્થઃ-
પોતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ કર્યો, રાજસમાજને છોડીને જેણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું, એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તેવો વૈરાગ્યભાવ દર્શાવીને જ્ઞાનીપુરુષનાં મનને રંજન કરનાર થાઓ !