अनित्य अने स्वप्नवत् सुख पर एक द्रष्टांत कहीए छीए. एक पामर भिखारी जंगलमां भटकतो हतो, त्यां तेने भूख लागी, एटले ते बिचारो लथडियां खातो खातो एक नगरमां एक सामान्य मनुष्यने घेर पहोंच्यो; त्यां जईने तेणे अनेक प्रकारनी आजीजी करी; तेना कालावालाथी करुणार्द्र थई ते गृहपतिनी स्त्रीए तेने घरमांथी जमतां वधेलुं मिष्टान्न भोजन आणी आप्युं. एवुं भोजन मळवाथी भिखारी बहु आनंद पामतो पामतो नगरनी बहार आव्यो. आवीने एक झाड तळे बेठो. त्यां जरा स्वच्छ करीने एक बाजुए अति वृद्धताने पामेलो एवो पोतानो जळनो घडो मूक्यो; एक बाजुए पोतानी फाटीतूटी मलिन गोदडी मूकी अने पछी एक बाजुए पोते ते भोजन लईने बेठो. राजी राजी थतां कोई दिवसे तेणे नहीं दीठेलुं एवुं भोजन एणे खाईने पूरुं कर्युं. भोजनने स्वधाम पहोंचाड्या पछी ओशीके एक पथ्थर मूकीने ते सूतो. भोजनना मदथी जरा वारमां तेनी आंखो मिचाई गई. ते निद्रावश थयो त्यां तेने एक स्वप्न आव्युं. पोते जाणे महा राजरिद्धि पाम्यो छे; तेथी तेणे सुंदर वस्त्राभूषणो धारण कर्यां छे, देश आखामां तेना विजयनो डंको वागी गयो छे, समीपमां तेनी आज्ञा अवलंबन करवा अनुचरो ऊभा थई रह्या छे; आजुबाजु छडीदारो ‘‘खमा ! खमा !’’ पोकारे छे; एक उत्तम महालयमां सुंदर पलंग पर तेणे शयन कर्युं छे; देवांगना जेवी स्त्रीओ तेने पादचंपन करे छे, एक बाजुथी मनुष्यो पंखा वडे सुगंधी पवन ढोळे छे, एम एने अपूर्व सुखनी प्राप्तिवाळुं स्वप्न प्राप्त थयुं. स्वप्नावस्थामां तेनां रोमांच उल्लसी गयां. ते जाणे पोते खरेखर तेवुं सुख भोगवे छे एवुं ते मानवा लाग्यो. एवामां सूर्यदेव वादळांथी ढंकाई गयो; वीजळीना झबकारा थवा लाग्या; मेघ महाराजा चढी आव्या; सर्वत्र अंधकार व्यापी गयो; मुशळधार वरसाद पडशे एवो देखाव थई गयो; अने गाजवीजथी एक सघन कडाको थयो. कडाकाना प्रबळ अवाजथी भय पामीने सत्वर ते पामर भिखारी जागृत थई गयो. जागीने जुए छे तो नथी ते देश के नथी ते नगरी, नथी ते महालय के नथी ते पलंग, नथी ते चामरछत्र धरनारा के नथी ते छडीदारो, नथी ते स्त्रीओनां वृंद के नथी ते वस्त्रालंकारो, नथी ते पंखा के नथी ते पवन, नथी ते अनुचरो के नथी ते आज्ञा, नथी ते सुखविलास के नथी ते मदोन्मत्तता. जुए छे तो जे स्थळे पाणीनो वृद्ध घडो पड्यो हतो ते ज स्थळे ते पड्यो छे. जे स्थळे फाटीतूटी गोदडी पडी हती ते स्थळे ते फाटीतूटी गोदडी पडी छे. भाई तो जेवा हता तेवा ने तेवा देखाया. पोते जेवां मलिन अने अनेक जाळी गोखवाळां वस्त्र धारण कर्यां हतां तेवां ने तेवां ते ज वस्त्रो शरीर उपर विराजे छे. नथी तलभार घट्युं के नथी जवभार वध्युं. ए सघळुं जोईने ते अति शोक पाम्यो. जे सुखाडंबर वडे में आनंद मान्यो ते सुखमांनुं तो अहीं कशुंये नथी. अरेरे ! में स्वप्नना भोग भोगव्या नहीं अने मिथ्या खेद मने प्राप्त थयो. बिचारो ते भिखारी एम ग्लानिमां आवी पड्यो.
प्रमाणशिक्षाः-
स्वप्नप्राप्तिमां जेम ते भिखारीए सुखसमुदाय दीठा, भोगव्या अने आनंद मान्यो, तेम पामर प्राणीओ संसारना स्वप्नवत् सुखसमुदायने महानंदरूप मानी बेठा छे. जेम ते सुखसमुदाय जागृतिमां ते भिखारीने मिथ्या जणाया, तेम तत्त्वज्ञानरूपी जागृति वडे संसारनां सुख तेवां जणाय छे. स्वप्नाना भोग न भोगव्या छतां जेम ते भिखारीने शोकनी प्राप्ति थई, तेम पामर भव्यो संसारमां सुख मानी बेसे छे, अने भोगव्या तुल्य गणे छे, पण ते भिखारीनी पेठे परिणामे खेद, पश्चात्ताप अने अधोगतिने पामे छे. स्वप्नानी एके वस्तुनुं सत्यत्व नथी, तेम संसारनी एके वस्तुनुं सत्यत्व नथी. बन्ने चपल अने शोकमय छे. आवुं विचारी बुद्धिमान पुरुषो आत्मश्रेयने शोधे छे.
*****
અનિત્ય અને સ્વપ્નવત્ સુખ પર એક દ્રષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો, ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લથડિયાં ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો; ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણાર્દ્ર થઈ તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભોજન આણી આપ્યું. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાનો જળનો ઘડો મૂક્યો; એક બાજુએ પોતાની ફાટીતૂટી મલિન ગોદડી મૂકી અને પછી એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી રાજી થતાં કોઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભોજન એણે ખાઈને પૂરું કર્યું. ભોજનને સ્વધામ પહોંચાડ્યા પછી ઓશીકે એક પથ્થર મૂકીને તે સૂતો. ભોજનના મદથી જરા વારમાં તેની આંખો મિચાઈ ગઈ. તે નિદ્રાવશ થયો ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહા રાજરિદ્ધિ પામ્યો છે; તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કર્યાં છે, દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે, સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારો ‘‘ખમા ! ખમા !’’ પોકારે છે; એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદચંપન કરે છે, એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે, એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સ્વપ્નાવસ્થામાં તેનાં રોમાંચ ઉલ્લસી ગયાં. તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભોગવે છે એવું તે માનવા લાગ્યો. એવામાં સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયો; વીજળીના ઝબકારા થવા લાગ્યા; મેઘ મહારાજા ચઢી આવ્યા; સર્વત્ર અંધકાર વ્યાપી ગયો; મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ ગયો; અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓનાં વૃંદ કે નથી તે વસ્ત્રાલંકારો, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તો જે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટીતૂટી ગોદડી પડી હતી તે સ્થળે તે ફાટીતૂટી ગોદડી પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવાં મલિન અને અનેક જાળી ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં તેવાં ને તેવાં તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શોક પામ્યો. જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાંનું તો અહીં કશુંયે નથી. અરેરે ! મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારો તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડ્યો.
પ્રમાણશિક્ષાઃ-
સ્વપ્નપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા, ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત્ સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્ત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે, અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે.