સંવરભાવનાઃ- ઉપર કહ્યાં તે આસ્રવદ્વાર અને પાપપ્રનાલને સર્વ પ્રકારે રોકવાં (આવતા કર્મ સમૂહને અટકાવવા) તે સંવરભાવ.

 

પુંડરિક ચરિત્ર

દ્રષ્ટાંતઃ- (૧) (કુંડરિકનો અનુસંબંધ) કુંડરિકના મુખપટી ઇત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે, મારે મહર્ષિ ગુરૂ કને જવું; અને ત્યાર પછી જ અન્નજળ ગ્રહણ કરવાં. અણવાણે ચરણે પરવરતાં પગમાં કંકર, કંટક ખૂંચવાથી લોહીની ધારાઓ ચાલી તોપણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચ્યવીને સમર્થ સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમના અત્યુગ્ર આયુષ્યે દેવરૂપે ઊપજ્યો. આસ્રવથી શી કુંડરિકની દુઃખદશા ! અને સંવરથી શી પુંડરિકની સુખદશા !!

 

શ્રી વજ્સ્વામી અને રુક્‌મિણી

દ્રષ્ટાંતઃ- (૨) શ્રી વજાસ્વામી કેવળ કંચનકામિનીના દ્રવ્યભાવથી પરિત્યાગી હતા. એક શ્રીમંતની રુક્‌મિણી નામની મનોહારિણી પુત્રી વજાસ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરીને મોહિત થઈ. ઘેર આવી માતાપિતાને કહ્યું કે, જો હું આ દેહે પતિ કરું તો માત્ર વજાસ્વામીને જ કરું, અન્યની સાથે સંલગ્ન થવાની મારે પ્રતિજ્ઞા છે. રુક્‌મિણીને તેનાં માતાપિતાએ ઘણુંયે કહ્યું, ‘‘ઘેલી ! વિચાર તો ખરી કે, મુનિરાજ તે વળી પરણે ? એણે તો આસ્રવદ્વારની સત્ય પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે.’’ તોપણ રુક્‌મિણીએ કહ્યું ન માન્યું. નિરુપાયે ધનાવા શેઠે કેટલુંક દ્રવ્ય અને સુરૂપા રુક્‌મિણીને સાથે લીધી; અને જ્યાં વજાસ્વામી વિરાજતા હતા ત્યાં આવીને કહ્યું કે, ‘‘આ લક્ષ્મી છે તેનો તમે યથારુચિ ઉપયોગ કરો; અને વૈભવવિલાસમાં વાપરો; અને આ મારી મહા સુકોમલા રુક્‌મિણી નામની પુત્રીથી પાણિગ્રહણ કરો.’’ એમ કહીને તે પોતાને ઘેર આવ્યો.

યૌવનસાગરમાં તરતી અને રૂપના અંબારરૂપ રુક્‌મિણીએ વજાસ્વામીને અનેક પ્રકારે ભોગ સંબંધી ઉપદેશ કર્યો; ભોગનાં સુખ અનેક પ્રકારે વર્ણવી દેખાડયાં; મનમોહક હાવભાવ તથા અનેક પ્રકારના અન્ય ચળાવવાના ઉપાય કર્યા; પરંતુ તે કેવળ વૃથા ગયા; મહા સુંદરી રુક્‌મિણી પોતાના મોહકટાક્ષમાં નિષ્ફળ થઈ. ઉગ્રચરિત્ર વિજયમાન વજાસ્વામી મેરુની પેઠે અચળ અને અડોલ રહ્યા. રુક્‌મિણીના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશમાત્ર પીગળ્યા નહીં. આવી મહા વિશાળ દ્રઢતાથી રુક્‌મિણીએ બોધ પામી નિશ્ચય કર્યો કે, આ સમર્થ જિતેન્દ્રિય મહાત્મા કોઈ કાળે ચલિત થનાર નથી. લોહ પથ્થર પિગળાવવા સુલભ છે, પણ આ મહા પવિત્ર સાધુ વજાસ્વામીને પિગળાવવા સંબંધીની આશા નિરર્થક છતાં અધોગતિના કારણરૂપ છે. એમ સુવિચારી તે રુક્‌મિણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્ર ગ્રહણ કર્યું; મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધ્યો. એને તત્ત્વજ્ઞાનીઓ સંવરભાવના કહે છે.