આસ્રવભાવના
દ્વાદશ અવિરતિ, ષોડશ કષાય, નવ નોકષાય, પંચ મિથ્યાત્વ અને પંચદશ યોગ એ સઘળાં મળી સત્તાવન આસ્રવદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રનાળ છે.
કુંડરિક ચરિત્ર:
દ્રષ્ટાંતઃ- મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણી નગરીના રાજ્યસિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહા તત્ત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરિક દીક્ષાનુરક્ત થયો; અને ઘેર આવ્યા પછી પુંડરિકને રાજ સોંપી ચારિત્ર અંગીકૃત કર્યું. સરસનીરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયો; તેથી તે ચારિત્રપરિણામે ભંગ થયો. પુંડરિકિણી મહા નગરીની અશોકવાડીમાં આવીને એણે ઓઘો મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં. નિરંતર તે પરિચિંતવન કરવા મંડ્યો કે પુંડરિક મને રાજ આપશે કે નહીં આપે ? વનરક્ષકે કુંડરિકને ઓળખ્યો. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે, આકુલવ્યાકુલ થતો તમારો ભાઈ અશોક બાગમાં રહ્યો છે. પુંડરિકે આવી કુંડરિકના મનોભાવ જોયા; અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પછી રાજ સોંપી દઈને ઘેર આવ્યો. કુંડરિકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તે સહસ્ર વર્ષ પ્રવ્રજ્યા પાળી પતિત થયો તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રીએ એથી કરીને તે બહુ પીડાયો અને વમન થયું; અભાવથી પાસે કોઈ આવ્યું નહીં, એથી તેના મનમાં પ્રચંડભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, આ દરદથી મને જો શાંતિ થાય તો પછી પ્રભાતે એ સઘળાને હું જોઈ લઈશ. એવાં મહા દુર્ધ્યાનથી મરીને સાતમી નરકે તે અપયઠાંણ પાથડે તેત્રીશ સાગરોપમને આયુષ્યે અનંત દુઃખમાં જઈ ઊપજ્યો. કેવાં વિપરીત આસ્રવદ્વાર !!